શ્રી ગણેશાય નમઃ
Title: Gujarati-01-Bhajans
Gujarati-01-Bhajans Gujarati-02-Bhajans Gujarati-03-Bhajans
Gujarati-04-Smarananjali Gujarati-12-Bavani
===================================================
B001 Go-to-Index
=================================================== ૧. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે... અખિલ બ્રહ્માંડમાં…
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે... અખિલ બ્રહ્માંડમાં...
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે... અખિલ બ્રહ્માંડમાં...
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે... અખિલ બ્રહ્માંડમાં…
ૐ
- નરસિંહ મહેતા
( સાખ-સાક્ષી, પટંતરો-ગુપ્ત રહસ્ય )
===================================================
B002 Go-to-Index
=================================================== ૨. વૈષ્ણવ જન તો તેને રે કહીયે
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
વૈષ્ણવ જન...
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે'ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે...
વૈષ્ણવ જન...
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે...
વૈષ્ણવ જન...
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે લાગી, સકળ તિરથ તેના તનમાં રે...
વૈષ્ણવ જન...
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે...
વૈષ્ણવ જન...
ૐ
- નરસિંહ મહેતા
( વાચ-વાણી, કાછ-બ્રહ્મચર્ય, તૃષ્ણા-કામના,
વણલોભી-લોભરહિત )
===================================================
B003 Go-to-Index
=================================================== ૩. નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિએ રે;
મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...
નારાયણ...
કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે;
ભગિની સૂત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે...
નારાયણ...
પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ, નવ તજિયું હરિનામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીઆ શ્રીરામ રે...
નારાયણ...
ઋષિ પત્નિએ શ્રીહરિ કાજે, તજીઆ નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઇ ના ગયું, પામી પદારથ ચાર રે...
નારાયણ...
વ્રજ વનિતા વિઠ્ઠલવર કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે નરસૈંયો વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે...
નારાયણ...
ૐ
- નરસિંહ મહેતા
( ભગિની-બહેન, સૂત-પુત્ર, દારા-પત્ની,
કંચુકી-કાંચળી, ભરથાર-પતિ )
===================================================
B004 Go-to-Index
=================================================== ૪. ભુતલ ભક્તિ પદારથ મોટુ
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે...
ભુતલ...
હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે...
ભુતલ...
ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે...
ભુતલ...
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે...
ભુતલ...
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે...
ભુતલ...
ૐ
- નરસિંહ મહેતા
( અમરાપુરી-ઇંદ્રની રાજધાની, ઓચ્છવ-ઉત્સવ )
===================================================
B005 Go-to-Index
=================================================== ૫. પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, હરનિશ એને ધાવું રે,
તપ તીરથ વૈકુંઠ તજીને, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે...
પ્રાણ થકી...
અંબરીષ મુજને અતિઘણા વ્હાલા, દુર્વાસાએ મન ભંગ કીધા,
મેં મારું અભિમાન તજીને, દશવાર અવતાર લીધો રે...
પ્રાણ થકી...
ગજ તજી વહારે તમે પાદે ધાયા, સેવકની સુધ લેવા,
ઊંચનીચ કુલ હું નવ જાણું, મને ભજે સો મમ જેવા...
પ્રાણ થકી...
મારો બાંધ્યો મારો વૈષ્ણવ છોડાવે, વૈષ્ણવનો બાંધ્યો વૈષ્ણવ છૂટે,
ક્ષેણું એક વૈષ્ણવ મુજને બાંધે, તો ફિર ઉત્તર નવ સુઝે...
પ્રાણ થકી...
બેઠો ગાવે ત્યાં ઉભો સાંભળું, ઉભા ગાવે ત્યાં નાચું,
વૈષ્ણવ જનથી ક્ષેણું ન અળગો, માન નરસૈયા સાચું...
પ્રાણ થકી...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B006 Go-to-Index
=================================================== ૬. રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
'એક તું' 'એક તું' એમ કહેવું... રાત...
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા... રાત...
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું... રાત...
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી... રાત...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B007 Go-to-Index
=================================================== ૭. સમરને શ્રી હરિ મેલ મમતા પરી
સમરને શ્રી હરિ મેલ મમતા પરી,
જોને વિચારી મુળ તારું;
તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો,
વગર સમજે કહે મારૂં મારૂં... સમરને...
દેહ તારો નથી જો તું જુગતે કરી,
રાખતા નવ રહે નિશ્ચે જાયે,
દેહ સંબધ તજે નવ નવા બહુ થશે,
પુત્ર કલત્ર પરિવાર વહાવે... સમરને...
ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે,
એ જ તારે અંતરાય મોટી,
પાસે છે પિયુ અલ્યા કેમ ગયો વિસરી,
હાથથી બાજી ગઇ થયા રે ખોટી... સમરને...
ભરનિંદ્રા ભર્યો, રુંધી ઘેર્યો ઘણો,
સંતના શબ્દ સુણી કાં ન જાગે,
ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી,
જન્મોજનમ તારી ખાંત ભાંગે... સમરને...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B008 Go-to-Index
=================================================== ૮. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો...
જે ગમે જગત...
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે...
જે ગમે જગત...
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે...
જે ગમે જગત...
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે...
જે ગમે જગત...
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સુઝે...
જે ગમે જગત...
સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું... જે ગમે જગત...
ૐ
- નરસિંહ મહેતા
( શકટ-ગાડું, શ્વાન-કૂતરો )
===================================================
B009 Go-to-Index
=================================================== ૯. સુખદુઃખ મનમાં ન આણીએ
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં... સુખદુઃખ...
નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અડધે વસ્ત્રે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી... સુખદુઃખ...
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી... સુખદુઃખ...
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી... સુખદુઃખ...
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી... સુખદુઃખ...
હરિશ્ચન્દ્ર રાજા સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી... સુખદુઃખ...
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે... સુખદુઃખ...
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતર્યામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી... સુખદુઃખ...
ૐ
- નરસિંહ મહેતા
( ભાવટ-ઉપાધિ-જંજાળ )
===================================================
B010 Go-to-Index
=================================================== ૧૦. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે?... જાગને...
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે?... જાગને...
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહડી કોણ સહાશે?... જાગને...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B011 Go-to-Index
=================================================== ૧૧. જળકમળ છાંડી જારે
જળકમળ છાંડી જારે, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે... ૧
કહે રે, બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીઓ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ ?... ૨
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જૂગટું રમતાં નાગનું શીશ હું હારિયો... ૩
રંગે રૂડો રૂપે પુરો દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જન્મ્યાં તેમાં તું અળખામણો... ૪
મારી માતાએ બેઉ જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો... ૫
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ... ૬
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ...૭
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને રે બળવંત કોઇ, બારણે બાળક આવીયો... ૮
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો... ૯
નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે... ૧૦
બેઉ કર જોડીને વિનવે સ્વામી! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને... ૧૧
થાળ ભરી શગ મોતીએ, શ્રીકૃષ્ણને રે વધાવિયા,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાથ છોડાવિયા... ૧૨
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B012 Go-to-Index
=================================================== ૧૨. મારે આજની ઘડી રે રળિયામણી
હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે... મારે...
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે... મારે...
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે... મારે...
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે... મારે...
હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ,
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે... મારે...
હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે... મારે...
જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે... મારે...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B013 Go-to-Index
=================================================== ૧૩. રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં
રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની રેલી
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે પ્રભુજી જેવી... રામ સભામાં...
રસ બસ એકરૂપ થઇ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે... રામ સભામાં...
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે... રામ સભામા...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B014 Go-to-Index
=================================================== ૧૪. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે?
શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજલ પાન કીધે?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણ્યે?
શું થયું ખટ દર્શન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B015 Go-to-Index
=================================================== ૧૫. જાગીને જોઉં તો જગત દીસે નહિ
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઉંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે... જાગીને...
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ તે નહિ રે અળગી... જાગીને...
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે... જાગીને...
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું'
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા... જાગીને...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B016 Go-to-Index
=================================================== ૧૬. બાપજી પાપ મેં કવણ કીધાં હશે
બાપજી પાપ મેં કવણ કીધાં હશે,
નામ લેતાં તારું નિંદ્રા આવે;
ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,
લાભ વિના લવ કરવી ભાવે... બાપજી...
દિન પૂઠે દિન તો વહી જાય છે,
દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;
ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,
ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં... બાપજી...
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,
ભીડ-ભંજન તારું નામ સાચું;
ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને
પતિત-પાવન તારું નામ સાચું.... બાપજી...
તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા
કળ અને અકળનું બળ ન ફાવે;
નરસૈંયા રંકને ઝંખના તાહરી,
હેડ બેડી ભાગ્યો શરણ આવે... બાપજી...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B017 Go-to-Index
=================================================== ૧૭. ધ્યાન ધર હરિતણું
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસી, જે થકી જન્મના દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઇ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે.
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે;
અવળ વેપાર તું, મે'લ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ.
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટકમાં વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી.
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતાં રાજ લેવું.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુશું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે.
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B018 Go-to-Index
=================================================== ૧૮. ભોળી રે ભરવાડણ
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે...
ભોળી...
શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે,
નાથ-અનાથના ને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે...
ભોળી...
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે;
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે...
ભોળી...
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે;
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે...
ભોળી...
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે;
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે...
ભોળી...
ૐ
- નરસિંહ મહેતા
===================================================
B019 Go-to-Index
=================================================== ૧૯. મેરે તો ગિરિધર ગોપાલ
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ...
મેરે તો...
ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ...
મેરે તો...
ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ...
મેરે તો...
દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ...
મેરે તો...
અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ...
મેરે તો...
ૐ
- મીરાંબાઇ
===================================================
B020 Go-to-Index
=================================================== ૨૦. પાયોજી મૈંને રામ-રતન ધન પાયો
પાયોજી મૈંને રામ-રતન ધન પાયો... ટેક
વસ્તુ અમોલિક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો... પાયોજી મૈંને...
જનમ જનમકી પૂંજી પાઇ,
જગમેં સભી ખોવાયો... પાયોજી મૈંને...
ખરચૈ ન ખૂટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો... પાયોજી મૈંને...
સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો... પાયોજી મૈંને...
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો... પાયોજી મૈંને...
ૐ
- મીરાંબાઇ
===================================================
B021 Go-to-Index
=================================================== ૨૧. મને ચાકર રાખોજી
મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી... ટેક
ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં...
મને ચાકર...
ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી...
મને ચાકર...
મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા...
મને ચાકર...
ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી...
મને ચાકર...
જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી...
મને ચાકર...
મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા હૃદે રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીન્હોં, જમુનાજી કે તીરા...
મને ચાકર...
ૐ
- મીરાંબાઇ
===================================================
B022 Go-to-Index
=================================================== ૨૨. મુખડાની માયા લાગી રે
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા... ટેક
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે... મોહન પ્યારા...
સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે... મોહન પ્યારા...
મીરાંબાઇ બલિહારિ, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે... મોહન પ્યારા...
ૐ
- મીરાંબાઇ
===================================================
B023 Go-to-Index
=================================================== ૨૩. મોહે લાગી લટક ગુરુ ચરનનકી
મોહે લાગી લટક ગુરુ ચરનનકી... ટેક
ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
જૂઠ માયા સબ સપનનકી... મોહે લાગી...
ભવસાગર સબ સૂખ ગયા હે,
ફિકર નહીં મુખે તરનનકી... મોહે લાગી...
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ઉલટ ભઇ મોરે નયનનકી... મોહે લાગી...
ૐ
- મીરાંબાઇ
===================================================
B024 Go-to-Index
=================================================== ૨૪. નહિ રે વિસારું હરિ
નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ... ટેક
જલ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે, અમૂલખ વસ્તુ જડી...
અતંરમાંથી...
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં, ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા, કેસર આડ કરી...
અંતરમાંથી...
મોરમુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ, વિઠ્ઠલ વરને વરી...
અંતરમાંથી...
ૐ
-મીરાંબાઇ
===================================================
B025 Go-to-Index
=================================================== ૨૫. બોલ મા બોલ મા બોલ મા રે
બોલ મા બોલ મા બોલ મા રે,
રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા... રાધા...
સાકર શેલડીનો સ્વાદ તજીને,
કડવો તે લીમડો ઘોળ મા રે... રાધા...
ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે... રાધા...
હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાથે મણિ તોલ મા રે... રાધા...
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં રે... રાધા...
ૐ
- મીરાંબાઇ
===================================================
B026 Go-to-Index
=================================================== ૨૬. એ રી મૈં તો પ્રેમદિવાની
એ રી મૈં તો પ્રેમદિવાની, મેરા દરદ ન જાને કો'ય... ટેક
શૂલી ઉપર સેજ હમારી, કિસ બિધ સોના હોય?
ગગન-મંડલ પે સેજ પિયાકી, કિસ બિધ મિલના હોય?...
એ રી...
ઘાયલ કી ગતિ ઘાયલ જાને, ઔર ન જાને કોઇ
જૌહરી રી ગતિ જૌહરી જાને, કિ જિન જૌહર હોય...
એ રી...
દરદકી મારી બન ડોલૂં, વૈદ મિલ્યા નહીં કોય;
મીરાં કી પ્રભુ પીડ મિટૈગી, જબ વૈદ સાંવરિયા હોય...
એ રી...
ૐ
-મીરાંબાઇ
===================================================
B027 Go-to-Index
=================================================== ૨૭. હરિ! તુમ હરો જનકી ભીર
હરિ! તુમ હરો જનકી ભીર... ટેક
દ્રૌપદીકી લાજ રાખી,
તુમ બઢાયો ચીર... હરિ...
ભક્ત કારન રૂપ નરહરિ,
ધર્યો આપ શરીર... હરિ...
હરિન કશ્યપ માર લિન્હો,
ધર્યો નાહિન ધીર... હરિ...
બૂડતે ગજરાજ રાખ્યો,
કિયો બાહિર નીર... હરિ...
દાસ મીરાં લાલ ગિરિધર,
દુઃખ જહાં તહાં પીર... હરિ...
ૐ
-મીરાંબાઇ
===================================================
B028 Go-to-Index
=================================================== ૨૮. પગ ઘુંઘરું બાંધી નાચી રે
પગ ઘુંઘરું બાંધી નાચી રે... ટેક
મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે... પગ...
લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે... પગ...
વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે... પગ...
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે... પગ...
ૐ
- મીરાંબાઇ
===================================================
B029 Go-to-Index
=================================================== ૨૯. શ્રી કૃષ્ણ સ્તુતિ
વંદન નંદ-યશોદા નંદન (૨)
માત દેવકીનાં પ્રિયનંદન, કરો અસુરદળ કેરું ખંડન,
પ્રણિપાત પરમ યદુકુલચંદન... વંદન નંદ-યશોદા નંદન.
મન મથુરાના મંગલવાસે, મૂર્તિ મધુરી નિશદિન હાસે,
અંતર કરતું પ્રેમે ક્રંદન... વંદન નંદ-યશોદા નંદન.
ભાવ ભક્તિની નિર્મળ યમુના, વહે નિરંતર રમણ કરો ત્યાં,
અરજી એ અઘ અખિલનિકંદન... વંદન નંદ-યશોદા નંદન.
વેણુ વગાડો રાસ રમાડો, તરસ તમારી તીવ્ર લગાડો,
અર્પીએ આત્મિક અભિનંદન... વંદન નંદ-યશોદા નંદન.
પ્યાસ તમારી આશ તમારી, ઉર ઉપવનમાં રસની ક્યારી,
સફળ કરો હે મુનિમન મંડન... વંદન નંદ-યશોદા નંદન.
અંતરમાં શુચિ ભાવ ભરી લો, દર્શન દેતાં ધન્ય કરી દો,
સાર્થક સર્વ કરી દો સ્પંદન... વંદન નંદ-યશોદા નંદન.
ૐ
( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
===================================================
B030 Go-to-Index
=================================================== ૩૦. શ્રી રામ સ્તુતિ
વંદન રઘુવર દશરથ નંદન (૨)
શોભાસાગર રઘુકુલ ચંદન
ઋષિમુનિ શંકર સુરનર વંદન... વંદન રઘુવર...
સુંદરતાના સંપુટ શાશ્વત
નિર્મળતાના મધુમય ભાસ્કર
પ્રેમતણાં હે પ્રાણ પુરાતન
રક્ષક ભક્તોના નિશિવાસર... વંદન રઘુવર...
અંતર કેરી અનુપ અયોધ્યા
પ્રગટો પાવન કરવાને ત્યાં
નાશ નિશાચર કેરો કરવા
મંગલ મહિમા મુક્તિ ધરવા... વંદન રઘુવર...
શાંતિ છવાયે મણિમય મંદિર
વાજે વાદ્ય વિવિધ રસ મંડિત
જીવન સર્વ સમર્પે તમને
કૃતકૃત્ય બને આતમ સ્પર્શે... વંદન રઘુવર...
મંગલ મધુમય પ્રેમનિકેતન
પ્રાણ જગતના કેવળ ચેતન
શમવો સર્વ હૃદયના ક્રંદન
પ્રગટો પ્રેમે વંદન વંદન... વંદન રઘુવર...
ૐ
( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
===================================================
B031 Go-to-Index
=================================================== ૩૧. અંબેમા સ્તુતિ
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧)
ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૨)
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૩)
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૪)
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૫)
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૬)
રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૭)
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૮)
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૯)
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૦)
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૧)
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો. (૧૨)
ૐ
( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
===================================================
B032 Go-to-Index
=================================================== ૩૨. શિવ સ્તુતિ
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. (૧)
નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહમાંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો. (૨)
મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. (૩)
જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો. (૪)
તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. (૫)
કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો. (૬)
કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. (૭)
કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો. (૮)
મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો. (૯)
તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો. (૧૦)
ૐ
(રચયિતા - શ્રી યોગેશ્વરજી )
===================================================
B033 Go-to-Index
=================================================== ૩૩. હનુમાન સ્તુતિ
જે ભક્તરક્ષક કાજ જગમાં પ્રેમથી જાગ્રત રહે,
જે જ્ઞાનભક્તિયોગ બક્ષે તેમ ધર્મકથા કહે,
જે રિદ્ધિ-સિદ્ધિ અર્પનારા સર્વ સંકટને હરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૧)
જે વાયુપુત્ર પ્રબલ છતાંયે વાયુથી ગતિ જેમની,
જે રામભક્ત છતાંયે ભક્તિ શીઘ્ર ફળતી જેમની,
જે વજ્રદેહી સ્વર્ણસુંદર દુષ્ટને દમતાં ખરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૨)
જે બ્રહ્મચારી પૂર્ણજ્ઞાની ગુણતણાં ભંડાર છે,
જે શાંતિસાગર પ્રેમભીના દુષ્ટનાં અંગાર છે,
કલ્યાણ કાજે વિશ્વના જે આદિથી સાધન કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૩)
જે રામના ચરણાનુરાગી રામમાં રમનાર છે,
જે રામસીતા કૃપાપાત્ર કૃપાતણાં કરનાર છે,
જે રામમાં રાખી રહેલા પ્રાણ આશ બધી પૂરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૪)
સુગ્રીવને મૈત્રી કરાવી રામ સાથે જેમણે,
રાજા કર્યા ને રામનાં કાર્યો કર્યા કંઈ તેમણે,
તનમન મુકીને રામની દિન-રાત જે સેવા કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૫)
ઓળંગતા સાગર ગયા સીતાતણી જે શોધમાં,
લંકા પ્રજાળી, કૈંક માર્યા અસુર જેણે ક્રોધમાં,
જે વિભિષણનાં પૂજ્ય, પૂજ્ય ગણી જનો જેને સ્મરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૬)
સંજીવની લાવી ઉગાર્યો વીર લક્ષ્મણ જેમણે,
લંકામહીં યુદ્ધે ચઢીને કરી સેવા જેમણે,
તે અંજનીના વીરને સ્મરતાં નહીં તે શું કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૭)
રે ચિત્ત તું હનુમાનને ભજ દુઃખ તે સૌ ટાળશે,
સૌ તાપ ટાળીને ખરેખર મોતને પણ મારશે,
એવી સમજ રાખી સુજન પણ જેમની ભક્તિ કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૮)
જેનો પ્રતાપ અખંડ કલિયુગમાં તપે સૂરજ સમો,
તેનાં જ સેવનથી લભીયે સર્વવિધ મંગલ અમે,
જેના વિશે એવી કથા અનુભવ તણી જ્ઞાની કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૯)
દોડ્યા સૂરજને જે પકડવા ફળ સમજતાં જન્મતાં,
જેની કૃપાની યાદથી બંધન બધાંયે કંપતા,
જે પ્રતાપીનું પૂચ્છ યે ના ભીમથી હાલ્યું ખરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૧૦)
જે તેલ ને સિંદૂરથી બળ તેજની શિક્ષા ધરે,
જેની ગદા દિનરાત સાચા ભક્તની રક્ષા કરે,
વિદ્વાન પણ જે વીરનાં ગુણગાન પૂરાં ના કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે. (૧૧)
આ રામનાં પરમધામ મહીં કરું છું,
આ પ્રેમગાન હનુમંત પ્રભુ તમારું,
ગોદાવરી તટ પરે તમને સ્તવું છું,
તો કાર્ય સિદ્ધ કરજો સઘળુંય મારું. (૧૨)
આ દિવ્ય સ્થાન પ્રિય પંચવટી તણું છે,
તે રામસ્પર્શ લભતાં મધુરું થયું છે,
ત્યાં વાસ હોય નિત વીર સદા તમારો,
એથી જ આ સ્તવન મેં રસથી કર્યું છે. (૧૩)
સ્તવે જે તમને પ્રેમે તેની આશ બઘી પૂરો,
બની પ્રસન્ન તો આવી ક્લેશ મારા બધાં હરો.
ૐ
( રચયિતા - શ્રી યોગેશ્વરજી )
===================================================
B034 Go-to-Index
=================================================== ૩૪. જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા...ઓમ...
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં...ઓમ...
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં...ઓમ...
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં...ઓમ...
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં...ઓમ...
ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા...ઓમ...
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા...ઓમ...
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં...ઓમ...
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન/ શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા...ઓમ...
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા...ઓમ...
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા...ઓમ...
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ / કાળ ભૈરવ સોહીએ,
તારા છે તુજ મા...ઓમ...
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં...ઓમ...
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો / ચતુરાઇ કંઇ આપો,
સિંહવાહીની મા...ઓમ...
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા / માર્કંડ દેવે વખાણ્યા,
ગાઇએ શુભ કવિતા...
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા / રેવાને તીરે, મા ગંગાને તીરે...ઓમ...
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
મા મંછાવતી નગરી / સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ,
ક્ષમા કરો ગૌરી...ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે...ઓમ...
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને આપી, ચરણોની સેવા...ઓમ...
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો... ઓમ...
ૐ
===================================================
B035 Go-to-Index
=================================================== ૩૫. ઓમ જય જગદીશ હરે
ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે
ભક્તજનોકે સંકટ (૨) ક્ષણમેં દૂર કરે... ઓમ જય...
જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા (૨)
સુખ સંપત્તિ ઘર આવે, (૨) કષ્ટ મિટે તન કા... ઓમ જય...
માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી (૨)
તુમ બિન ઓર ન દુજા, (૨)આશ કરું મૈં જીસકી... ઓમ જય...
તુમ પુરણ પરમાત્મા, તુમ અંતરયામી (૨)
પાર બ્રહ્મ પરમેશ્વર, (૨) તૂમ સબકે સ્વામી... ઓમ જય...
તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા (૨)
મૈં સેવક તુમ સ્વામી, (૨) કૃપા કરો ભર્તા... ઓમ જય...
તુમ હોં એક અગોચર, સબકે પ્રાણ પતિ (૨)
કિસ બિધ મિલુ દયામય, (૨) તૂમકો મૈં કુમતિ... ઓમ જય...
દિનબંધુ દુઃખ હર્તા, તુમ રક્ષક મેરે (૨)
કરુણા હસ્ત બઢાઓ, (૨) દ્વાર ખડા તેરે... ઓમ જય...
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા (૨)
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, (૨) સંતન કી સેવા... ઓમ જય...
તન મન ધન, સબ કુછ હૈ તેરા (૨)
તેરા તુઝકો અર્પણ, (૨) ક્યા લાગે મેરા... ઓમ જય...
ૐ
===================================================
B036 Go-to-Index
=================================================== ૩૬. કબીરસાહેબ ની આરતી
ॐ જય સાહેબ કબીર, ॐ જય સાહેબ કબીર
પ્રગટ પ્રભુ છો સાચા, અલખ નિરંજન દેવ...
ॐ જય સાહેબ કબીર
પાવન કાશી તીર્થે, કમલપત્ર પર આપ
ધન્ય કર્યા નિરુ નીમા, પ્રગટ્યા જગહિત કાજ...
ॐ જય સાહેબ કબીર
સદગુરુ રામાનંદજી, રામનો મંત્ર ધરે,
માનવ ધર્મ પ્રચારે, ગાઢ તિમિર હરે... ॐ જય સાહેબ કબીર
તત્વાજી જીવાજીની, ભક્તિ માન્ય કરી,
કબીર વડ પ્રગટાવ્યો, ગુર્જર ભૂમિમહીં... ॐ જય સાહેબ કબીર
આતમદેવ છે એક જ, એ ઊપદેશ ધર્યો,
અસંખ્ય ભજનો સાખી, બીજક ગ્રંથ રચ્યો... ॐ જય સાહેબ કબીર
જ્ઞાન ભક્તિના પંથને, સરળ કીધો છે આપ,
શીતળ છાંયડી ધરતાં, ટાળી દીધા ત્રિતાપ... ॐ જય સાહેબ કબીર
શ્રી ચરણોમાં વંદન કરતા, ભક્તો માગે આજ,
જ્ઞાનદીપ પ્રગટાવો, અમ અંતરમાં રામ... ॐ જય સાહેબ કબીર
અપરાધોને ક્ષમા કરીને, આશિષ ધરજો આજ,
કલ્યાણ કરો સૌનું, સર્વેશ્વરીના નાથ... ॐ જય સાહેબ કબીર
ૐ
(રચયિતા - મા સર્વેશ્વરી)
===================================================
B037 Go-to-Index
===================================================About Ma Sarveshvari
Maa Sarveshwari is a gift of Ram Kabir Bhakta Samaj. Bhakta Samaj's origin is considered to be descendants of Kabirji, noted poet and philosopher of India. Maa Sarveshwari was born into a religious farmer's family and received spiritual treason from her parents - Kalidas and Bhikhiben Bhakta from very beginning. Before completely devoting her life in the service of humanity, Maa Sarveshwari started writing Bhajans, flowing from her within. Arghya and Anjali are Maa Sarveshwari's two widely acclaimed collection of Bhajans.
During the spiritual tour of USA in 90's Maa Sarveshwari was inspired to write this Aarti on Shri Kabir. An extraordinary and spontaneous creation of Maa Sarveshwari, Shri Kabirji's Aarti is feast to the ears and fills everyone with utmost devotion and love.
Noted Gujarati singer duo Ashit and Hema Desai, later made it immortal with their charming voice and spellbound music. Today, at all Ram Kabir temples across globe, this Aarti has found place in daily prayers and is sung in thousands of houses with devotional fervor.
Meaning of Kabir Aarti
1) Glory to thee O Lord Kabir!
2) Truly You are God's Incarnation, The all knowing, Omnipresent, Supreme being
3) Auspiciously born upon a lotus leaf in holy Kashi
4) You graced the home of Neeru and Nima, who raised you to uplift humanity
5) Enlightened spiritual Master Ramanandji bestowed upon you the Rama Mantra
6) And you spread the religion of humanity, dispelling darkness and ignorance
7) Recognizing the devotion of Tatvaji and Jivaji
8) You established Kabir Vad on the soil of Gujarat
9) Stressing that the soul and God are invisible and One
10) You composed innumerable bhajans & Sakhees, inspiring the Bijak Granth
11) You simplified the path of enlightenment and devotion for all
12) And under your shade, you provided us protection against all evil
13) In bowing at your feet, Devotees pray to you for only one thing
14) Lord! light up the lamp of knowledge in our hearts
15) Forgive us our sins, O Lord and bestow upon us your blessings
16) Above all, Grant us the path of enlightenment O Lord of Sarveshwari!
Maa Sarveshwari is a gift of Ram Kabir Bhakta Samaj. Bhakta Samaj's origin is considered to be descendants of Kabirji, noted poet and philosopher of India. Maa Sarveshwari was born into a religious farmer's family and received spiritual treason from her parents - Kalidas and Bhikhiben Bhakta from very beginning. Before completely devoting her life in the service of humanity, Maa Sarveshwari started writing Bhajans, flowing from her within. Arghya and Anjali are Maa Sarveshwari's two widely acclaimed collection of Bhajans.
During the spiritual tour of USA in 90's Maa Sarveshwari was inspired to write this Aarti on Shri Kabir. An extraordinary and spontaneous creation of Maa Sarveshwari, Shri Kabirji's Aarti is feast to the ears and fills everyone with utmost devotion and love.
Noted Gujarati singer duo Ashit and Hema Desai, later made it immortal with their charming voice and spellbound music. Today, at all Ram Kabir temples across globe, this Aarti has found place in daily prayers and is sung in thousands of houses with devotional fervor.
Meaning of Kabir Aarti
1) Glory to thee O Lord Kabir!
2) Truly You are God's Incarnation, The all knowing, Omnipresent, Supreme being
3) Auspiciously born upon a lotus leaf in holy Kashi
4) You graced the home of Neeru and Nima, who raised you to uplift humanity
5) Enlightened spiritual Master Ramanandji bestowed upon you the Rama Mantra
6) And you spread the religion of humanity, dispelling darkness and ignorance
7) Recognizing the devotion of Tatvaji and Jivaji
8) You established Kabir Vad on the soil of Gujarat
9) Stressing that the soul and God are invisible and One
10) You composed innumerable bhajans & Sakhees, inspiring the Bijak Granth
11) You simplified the path of enlightenment and devotion for all
12) And under your shade, you provided us protection against all evil
13) In bowing at your feet, Devotees pray to you for only one thing
14) Lord! light up the lamp of knowledge in our hearts
15) Forgive us our sins, O Lord and bestow upon us your blessings
16) Above all, Grant us the path of enlightenment O Lord of Sarveshwari!
===================================================
B038 Go-to-Index
======================================================================================================
B039 Go-to-Index
======================================================================================================
B040 Go-to-Index
======================================================================================================
B041 Go-to-Index
======================================================================================================
B042 Go-to-Index
======================================================================================================
B043 Go-to-Index
======================================================================================================
B044 Go-to-Index
======================================================================================================
B045 Go-to-Index
======================================================================================================
B046 Go-to-Index
======================================================================================================
B047 Go-to-Index
======================================================================================================
B048 Go-to-Index
======================================================================================================
B049 Go-to-Index
======================================================================================================